Main Menu

શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની ફળશ્રુતિ

 

અલૌકિક અને અદ્વિતિય ઉત્સવને લોકોએ મનભરીને માણ્યો

ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના ધામગમન બાદ તેઓશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર જે સ્થાન પર કરવામાં આવ્યો હતો એ સ્થાન અક્ષરદેરીના નામે વિશ્વપ્રસિદ્ધ છે. ગુજરાત રાજ્યના રાજકોટ શહેરથી ૩૫ કી.મી.ના અંતરે આવેલ અક્ષરદેરીની સ્થાપનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં તા. ૨૦મી જાન્યુઆરીથી તા.૩૦મી જાન્યુઆરી સુધી શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવ માટે ૧૫૦૦૦થી વધુ મહિલાઓ દ્વારા ૯ લાખથી વધુ ઘરોમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિથી લઈને છેવાડાના ગામડાના સામાન્ય લોકો પણ અક્ષરદેરીને અર્ઘ્ય અર્પવા અને ઉત્સવનો લાભ લેવા માટે આવ્યા હતા.

૧૧ દિવસના આ ઉત્સવમાં ૧૪,૦૦,૦૦૦ (ચૌદ લાખ)  થી વધુ દર્શનાર્થીઓ પધાર્યા હતા. સમગ્ર ઉત્સવ દરમિયાન ૧૫૦૦૦ સ્વયંસેવકો અને ૩૫૦ થી વધુ સંતોએ ખડે પગે રહીને સેવાઓ બજાવી હતી. સ્વામિનારાયણ નગરમાં ચાલતા રક્તદાન કેમ્પમાં ૭,૩૫,૦૦૦ (સાત લાખ પાત્રીસ હજાર) સીસી રક્તદાન થયું હતું. વ્યસનમુક્તિ યજ્ઞમાં પોતાના વ્યસનોની આહુતિ આપીને ૧૩૦૦ (તેર સો)જેટલા લોકો વ્યસનમુક્ત થયા હતા. જુદી જુદી શાળાઓ અને શિક્ષકો આ ઉત્સવનો લાભ લઈને મૂલ્યશિક્ષણ અને જીવનશિક્ષણના પાઠ ભણે એ હેતુથી તા.૨0થી તા.૩૦ સુધી સવારના સમયે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે દર્શનની વ્યવસ્થા કરી હતી જેનો ૩૬૦ શાળાના ૬૧,૨૦૦ (એકસઠ હજાર બસ્સો) વિદ્યાર્થીઓ અને ૫૫૦૦ (પાંચ હજાર પાંચ સો) શિક્ષકોએ લાભ લીધો હતો. શ્રી નીલકંઠ વિદ્યા સંકુલ, રાણસીકીથી આવેલ ભેડા શીતલ પ્રતાપભાઈએ જણાવ્યું કે પરમાનંદ પ્રદર્શન ખંડમાંથી મને પ્રમુખસ્વામી મહારાજની જેમ બીજા લોકો પ્રત્યે શુભભાવના રાખવાનો ઉપદેશ મળ્યો. ગોંડલની ઓક્ષફર્ડ ઇનટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીની સોલંકી રાધિકાએ જણાવ્યું કે ‘અમે આ મહોત્સવ માંથી ઘણું બધું શીખ્યા છીએ. વિશેષ તો બીજા લોકો સારા છે કે ખરાબ તેનો વિચાર કર્યા વગર બધાનું ભલું ઇચ્છવાનું હું અહીંથી શીખી છું.’

આમ, ઉત્સવમાં સામેલ થનાર સૌ કોઈએ અલૌકિક આનંદ અને પરમ શાંતિનો અનુભવ કર્યો હતો. શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ લાભ લેનાર તમામ માટે એક ચિરસ્મરણીય સંભારણું બની ગયું છે. સમગ્ર ઉત્સવની એક આછેરી ઝલક અને ફલશ્રુતિ અહી પ્રસ્તુત છે.  

અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવના દરમ્યાનના વિવિધ કાર્યક્રમો

૧૯-૧-૨૦૧૮ :  મહોત્સવમાં સેવા આપવા આવેલા સ્વયંસેવકોની સભા તથા રાત્રે પ.પૂ.મહંતસ્વામી મહારાજનું ગોંડલ ખાતે આગમન.

૨૦-૧-૨૦૧૮ : પ.પૂ.મહંતસ્વામી મહારાજ, બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતો તથા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે શ્રી સ્વામિનારાયણનગરનું ઉદઘાટન. સાંજે વિરાટ મહાપૂજામાં ૮૨૦૦ થી વધુ યજમાનોએ લીધો વિરાટ મહાપૂજાનો લાભ. રાત્રે અક્ષરદેરી લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદઘાટન.

૨૧-૧-૨૦૧૮  : બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સ્મૃતિસ્થાન પર બનેલ શ્રી યોગી સ્મૃતિ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ. સાંજે ‘શ્રી કાશી વિદ્વત પરિષદ’ના પંડિતોની હાજરીમાં ‘શ્રી અક્ષરપુરુષોત્તમ દર્શન’ સભા.

૨૨-૧-૨૦૧૮  : નવિનીકૃત શ્રી અક્ષરદેરીનું ભવ્યાતિભવ્ય લોકાપર્ણ. સાંજે ભારતના રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉત્સવની મુખ્ય સભા યોજાઈ જેનો 1 લાખથી વધુ લોકોએ લાભ લીધો.

૨૫-૧-૨૦૧૮  : દેશ-પરદેશના ૪૦ યુવાનોએ  પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી. ૫ યુવાનોને ભાગવતી દીક્ષા અને ૩૫ યુવાનોને પાર્ષદી દીક્ષા.

૨૭-૧-૨૦૧૮  : પ.પૂ.પ્રમુખસ્વામી મહારાણા ૯૮માં જન્મજયંતી મહોત્સવની ઉજવણી રાજકોટ ખાતે થવાની છે જેની ઉદઘોષ સભાનું આયોજન થયું હતું જેમાં રાજકોટના મહાનુભાવો અને નગરજનો હાજર રહ્યાં હતા.

૨૮-૧-૨૦૧૮  : શ્રી બીએપીએસ સ્વામિનારાયણ ગુરુકુળ-ગોંડલના વિદ્યાર્થીઓ દ્વારા ‘ગુરુકુળ વાર્ષિક દિન’ નિમિતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ.

ઉત્સવના પ્રારંભ પૂર્વે રાજકોટ જીલ્લાની અને તેના આસપાસના જિલ્લાઓની ૮૦૦ થી વધુ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓના સંમેલનનું આયોજન કરી સમગ્ર ગામને ઉત્સવમાં સહભાગી થવાનું ઇજન આપવામાં આવ્યું હતું. તો વળી ઉત્સવ દરમ્યાન ગોંડલના આંગણે બે દિવસ માટે આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યકર્તા કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં સમગ્ર વિશ્વમાં પથરાયેલ બીએપીએસની મહિલા પ્રવૃત્તિ સંભાળતા મહિલા કાર્યકરો અને મહિલા સંયોજકોની કોન્ફરન્સ મળી હતી જેમાં સંસ્થાની મહિલા પાંખ દ્વારા થયેલ અને થનાર વિવિધ પ્રવૃતિઓની સમીક્ષા કરવામાં આવી હતી.

સ્વામિનારાયણ નગરના આકર્ષણો

મુક્તાનંદ પ્રદર્શનખંડ : આ ખંડમાં રજુ થતો વિડીયો શો દ્વારા મુલાકાતીઓને વ્યસનમુક્ત જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. એક વ્યસની માણસ વ્યસન ના મૂકી શકવાને કારણે એના માતા-પિતા, પત્ની અને સંતાનને કેવી દર્દનાક જિંદગીની ભેટ આપી જાય છે એ વાતને ખૂબ અસરકારક રીતે રજુ કરવામાં આવી હતી. વ્યસનમુક્તિનો ઉત્તમ સંદેશ આપતો આ પ્રદર્શન ખંડ ખૂબ જ અસરકારક રહ્યો હતો. અઠંગ વ્યસનીઓને પણ વ્યસન છોડવાની અહીં પ્રેરણા મળી હતી.

અક્ષરાનંદ પ્રદર્શનખંડ : આ પ્રદર્શનખંડમાં અક્ષરદેરી જેમનું સ્મૃતિમંદિર છે એવા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જીવન અને કાર્યના વિવિધ પ્રસંગોની મનોભાવક રજૂઆત આ ડોમમાં બતાવવામાં આવતા વિડીયો શો દ્વારા કરવામાં આવી હતી. ચોટદાર સંવાદો દ્વારા અહીં ખૂબ સુંદર રજૂઆત કરવામાં આવી હતી.

યોગાનંદ પ્રદર્શનખંડ : આ  પ્રદર્શનખંડમાં ૨૫ વર્ષ સુધી ગોંડલ અક્ષરમંદિરના મહંતપદે બિરાજેલા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના જીવનપ્રસંગોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. મનોરંજનની સાથે સાથે મનોમંજન થાય એવી રીતે ઘરઘરમાં બનતી જુદી જુદી ઘટનાઓને યોગીજી મહારાજના જીવનમાં બનેલી વિવિધ ઘટનાઓ સાથે તુલના કરીને દુઃખોની વચ્ચે પણ કેવી રીતે આનંદમાં રહેવું તે અંગેની સુંદર સમજણ આપવામાં આવી. યોગીજી મહારાજનું નિર્દોષ હાસ્ય તેમની વિશેષતા હતી. અપાર કષ્ટો, ગંભીર બીમારીઓ અને અથાગ પરિશ્રમ વચ્ચે પણ તેઓનું હાસ્ય કદી વિલાયું નો’તુ. સદૈવ બ્રહ્માનંદમાં વિચરતા એવા ‘યોગાનંદ’ યોગીજી મહારાજના જીવનમાંથી કેટલાક ચૂંટેલા પ્રસંગો દ્વારા અહીં હંમેશાં આનંદમાં રહેવાનું રહસ્ય શીખવાડવાનો સુંદર પ્રયાસ કરાયો હતો.

નિત્યાનંદ પ્રદર્શનખંડ : આ પ્રદર્શનખંડમાં એક લાઈવ સંવાદ દ્વારા પારિવારિક પ્રશ્નો ઉભા થવાના કારણો અને એ પ્રશ્નોનું નિરાકરણ કરવાના ઉપાયોની આકર્ષક રજૂઆત કરવામાં આવી. જ્યારે પ્રેક્ષકોની સામે સંવાદ ભજવાય ત્યારે મોટાભાગના લોકોને અનુભૂતિ થાય કે આ મારા પરિવારની જ વાત છે. નિત્યાનંદ નામના પાંચમાં પ્રદર્શન ખંડમાં પારિવારિક એકતાનો ઉપદેશ અપાયો હતો. આજે વિશ્વભરની સૌથી મોટી સમસ્યા છે, તૂટતાં ઘરો.  આધુનિકતાના બહાને પરિવારમાં વધતા ક્લેશ અને કુસંપને ડામવાનો અહીં સફળ પ્રયાસ કરાયો હતો. સુંદર સંવાદ અને વિડિયોના માધ્યમથી ઘરમાં સુખ-શાંતિ રાખવાના ઉપાયોની આમાં સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

સહજાનંદ પ્રદર્શનખંડ : આ પ્રદર્શનખંડમાં ભગવાન સ્વામિનારાયણે નીલકંઠવર્ણી રૂપે નાની ઉમરમાં કરેલી હિમાલયની અતિ કઠિન યાત્રાને એનિમેશન ફિલ્મ રૂપે પ્રદર્શિત કરવામાં આવી છે. આ વિડીયો શો નિહાળીને લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં નિર્ભયતા અને સાહસ જેવા ગુણો અને પ્રશ્નોની સામે ઘૂટણીયે પડવાને બદલે પ્રશ્નોને પડકારવાની વૃતિ જન્મે છે. એનીમેશન ફિલ્મની રોમાંચક પ્રસ્તુતિ દ્વારા અહીં ભગવાન સ્વામિનારાયણના અસાધારણ જીવન અને કાર્યને દર્શાવવામાં આવશે.

પરમાનંદ પ્રદર્શનખંડ :  આ પ્રદર્શનખંડમાં વિશ્વવંદનીય સંત વિભૂતિ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યની જુદા જુદા ૪ વિડીયો શો દ્વારા અદભૂત પ્રસ્તુતિ કરવામાં આવી. પ્રમુખસ્વામી મહારાજે કેવી વિકટ પરિસ્થિતિની વચ્ચે લોકોની સુખાકારી માટે ગામડે-ગામડે અને ઘરે-ઘરે વિચરણ કર્યું હતું એનો ચિતાર રજુ કરવામાં આવ્યો હતો.

ભજનાનંદ પ્રદર્શનખંડ :  આ પ્રદર્શનખંડમાં અવિરત વહેતો ભજનોનો પ્રવાહ મુલાકાતીઓને પ્રભુભજન દ્વારા મનની શાંતિનો સંદેશો આપતો હતો. ૨૪ કલાક અખંડ ભજન ભક્તિ સાથે ચાલુ રહેલા આ પ્રદર્શનખંડમાં ૬૦૦૦ વ્યક્તિઓએ મહાપૂજાનો લાભ લીધો. ૨૫૦૦૦ માળાઓ ફેરવી મંત્ર જાપ કર્યા. ૨૫૦૦ પૃષ્ઠ મંત્ર લેખન થયું. ૨૦૦૦ જનમંગલ નામાવલીના પાઠ થયા. ૭૫૦૦ દંડવત અને ૨,૦૦,૦૦૦ પ્રદક્ષિણાઓ લોકોએ કરી હતી.

વિરાટ પ્રવેશદ્વાર તથા પ્રતિમાઓ  :  ૨૧૦ ફુટ લાંબો, ૪૫ ફુટ ઉંચો અને ૧૦ ફુટ પહોળો કલાત્મક પ્રવેશદ્વાર, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજની ૧૮ ફુટ ઊંચાઈની પ્રતિમાઓ, સંતો અને મહાપુરુષોની ૬ ફુટ ઊંચાઈની પ્રતિમાઓ અને ૧૬ દેવતાઈ સ્વરૂપોની પ્રતિમાઓ સૌ મુલાકાતીઓના મન હરી લેનારા આકર્ષણો હતા.

અક્ષરદેરી લાઈટ એન્ડ સાઉન્ડ શો :  અક્ષરદેરી લાઈટ એન્ડ સાઉન્ડ શો સ્વામિનારાયણ નગરનું હદય હતું. માત્ર સાત ચોપડી ભણેલા બીએપીએસના સંત પૂ. બ્રહ્મચરણદાસ સ્વામીએ થર્મોકોલ અને લોખંડના સ્ટ્રક્ચરમાંથી ૭૦ ફુટ ઊંચી અને ૫૦ ફુટ પહોળી અક્ષરદેરી તૈયાર કરી હતી. આ અક્ષરદેરીને કેન્દ્રમાં રાખીને નૃત્ય અને સંવાદો સાથે પ્રસ્તુત થતો લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળવા માટે સાંજના ૭.૧૫ વાગતા સુધીમાં આખું મેદાન ખીચોખીચ ભરાઈ જતું.

મુલાકાતીઓની મનોભાવના વ્યક્ત કરતા પ્રતિભાવો

૧.) વ્યસન મુક્તિની અદભુત પ્રેરણા મળે છે. આખા ભારતમાં આ ફિલ્મ બતાવવી જોઈએ. મારું જીવન વ્યસન મુક્ત હોય તો કેવળ બી.એ.પી.એસ. સંસ્થાના ગુરુકુળમાંથી મળેલ સંસ્કારોના કારણે છે.

સાઈરામ દવે, વિખ્યાત હાસ્ય કલાકાર, ગોંડલ.

૨.) મુક્તાનંદ ખંડ જોયા બાદ મેં મારું ૧૦ વર્ષ જુનું માવાનું વ્યસન છોડી દીધુ છે. મારા દર મહીને ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા માવા ખાવામાં વપરાતા હતા.

– હિરેનભાઈ લાડવા, બેંક કર્મચારી, પોરબંદર

૩.) મુક્તાનંદ ખંડ જોયા પછી હું મારું ૫૦ વર્ષથી વધુ જુનું વ્યસન મુકું છું.

વિરજીભાઈ ભડાણીયા, રામોદ, કોટડાસાંગાણી

૪.) મને નાની સેવામાં ખુબજ નાનપ અનુભવાતી હતી અને મારું અપમાન થતું હોય તેવું જણાતુ પરંતુ યોગાનંદ પ્રદર્શન ખંડ જોયા પછી યોગીબાપાનું નિર્માનીપણું મને સ્પર્શી ગયું છે. હવે મને નાનામાં નાની સેવા કરવામાં માન આડું નહિ આવે.

પટેલ બીપીનભાઈ, ખેડબ્રહ્મા

૫.) અહી આવ્યા પછી ખુબ જ દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ થયો. અક્ષરદેરી ખુબ જ અદભુત બનાવામાં આવી છે. લોકોના જીવન સુધારવાનો બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાનો આ એક વિરલ પ્રયાસ છે.

– કવિતા પટેલ, જયપુર, રાજસ્થાન

૬.) અહી વ્યસન મુકવા માટેની ખુબજ સારી સમજણ આપવામાં આવે છે. મેં મારું ૨૫ વર્ષ જુનું બજરનું વ્યસન અહી મુકેલું છે. હું રોજ ભગવાન સ્વામીનારાયણને પ્રાર્થના કરીશ કે દરેક લોકો વ્યસન મુક્ત બને.

– ભાનુબેન પારઘી, રહેવાસી, ગોંડલ.

જીવન પરિવર્તનના પ્રસંગો

૧. મહારાષ્ટ્રના સાકોરે નામના ગામના રહેવાશી અમોલભાઈએ આ મહોત્સવ દરમ્યાન પાર્ષદી દીક્ષા લીધી હતી. દીક્ષા મહોત્સવની સભામાં જ્યારે અમોલભાઈ મંત્રદીક્ષા માટે મહંતસ્વામી મહારાજ પાસે આવ્યા ત્યારે એમના પિતાશ્રી આશારામભાઈ એમની સાથે બે જૂની તલવારો લાવ્યા અને મહંતસ્વામી મહારાજના ચરણોમાં અર્પણ કરી. બધાને આશ્વર્ય થયું કે દીક્ષા મહોત્સવમાં તલવાર શું લાવ્યા હશે ? જાહેરાત કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ તલવારોથી રોજનાં ૨૦૦ બકરા કપાતા હતા. અત્યાર સુધીમાં ૫૦૦૦૦થી વધુ બકરાઓ આ તલવારથી કપાયા હતા. ગામના યુવાને સાધુની દીક્ષા લેવાનો નિર્ણય કરતા ગામમાં જીવહિંસા બંધ કરવાનું નક્કી થયું એ તલવારો સ્વામીના ચરણોમાં સમર્પિત થઇ. દીક્ષા લેનાર યુવાને મહંતસ્વામી મહારાજને પ્રાર્થના કરી હતી કે ‘આપ એવા આશીર્વાદ આપો કે અમારા વિસ્તારના તમામ ગામોમાં નિર્દોષ જીવોની હિંસા બંધ થાય.

૨. જેતપુર તાલુકાના જેતલસર ગામના એકભાઈ પ્રદર્શનખંડમાંથી બહાર નીકળીને સીધા જ વ્યસનમુક્તિ કુટીર પર પહોંચ્યા અને સામેથી જ બાળકોને કહ્યું, “મારે વ્યસન મુકવું છે મને પાણી આપો.” એ ભાઈને પૂછ્યું કે હવે તમારે કેમ વ્યસન મૂકી દેવું છે ? ત્યારે એ ભાઈએ જણાવ્યું કે આર્થિક રીતે તો મને કોઈ તકલીફ નથી પણ આ વિડીયોમાં દવાખાનામાં રહેલા લોકોની જે સ્થિતિ જોઈ એનાથી મે નક્કી કર્યું કે જો હું પણ વ્યસનના કારણે કેન્સરના રોગનો ભોગ બનીશ તો ગમે એટલા પૈસા ખર્ચવા છતાં ભગવાને આપેલા સુંદર ચહેરા જેવો ચહેરો ફરી મળશે નહિ.’ વ્યસનમુક્તિ પ્રદર્શન જોઈ હજારો લોકોએ વ્યસનમુક્તિનો સંકલ્પ કર્યો હતો.

જીવન પરિવર્તનની આવી અનેક ઘટનાઓ બની હતી.

અદભૂત મેનેજમેન્ટ

મહોત્સવની મુલાકાતે આવનારા સૌ મુલાકાતીઓ સંસ્થાનું મેનેજમેન્ટ જોઇને મોઢામાં આંગળા નાખી જતા હતા. સંસ્થાની સંકલન સમિતિએ એવું ટકોરાબંધ આયોજન કર્યું હતું કે રોજના એક લાખથી વધુ ભાવિકો દર્શનાર્થે આવતા હોવા છતાં ૧૧ દિવસમાં એક પણ અઘટિત ઘટના બની નહોતી. બુધવાર અને જાહેર રજાના દિવસે તો દર્શનાર્થીઓની સંખ્યા દોઢ લાખથી પણ વધી જતી હતી આમ છતાં કોઈ દર્શનાર્થીઓને કોઈ પ્રકારની તકલીફ ના પડે એવી વ્યવસ્થા હતી. અતિ વૃધ્ધ અને અશક્ત લોકો માટે વ્હીલચેર તેમજ ગોલ્ફાકારની પણ સુવિધા હતી. અક્ષરદેરી અને મંદિર દર્શન માટે આવતા લોકોના બુટ-ચપ્પલ સાચવવાથી લઈને જમાડવા સુધીની બધી જ વ્યવસ્થામાં સંસ્થાના સંતો અને કાર્યકર્તાઓની વહીવટી સૂઝ ઉડીને આંખે વળગતી હતી. સમગ્ર ઉત્સવની કામગીરીને જુદા-જુદા ૩૨ વિભાગોમાં વહેંચવામાં આવી હતી. કેટલાક વિભાગો દ્વારા થયેલી કામગીરીનો પાતળો પરિચય મેળવીએ.

રસોડા વિભાગ    

અક્ષરદેરી મહાતીર્થ છે એટલે આ ઉત્સવમાં આવતા તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા થાય એવી પ.પૂ.મહંતસ્વામી મહારાજની અંતરની ઈચ્છા હતી. સ્વામીશ્રીની ઈચ્છા મુજબ સૌ દર્શનાર્થીઓ માટે સવાર, બપોર અને સાંજ ગરમા-ગરમા ભોજનની વ્યવસ્થા કાબીલેદાદ હતી. લાખોની સંખ્યામાં મહાપ્રસાદ લેનારા હોવા છતાં કોઈ પ્રકારની અવ્યવસ્થા નહોતી.

સલામતી વિભાગ

કોઈપણ મોટા ઉત્સવમાં સૌથી મોટો પ્રશ્ન સલામતીનો હોય. રોજનાં હજારો લોકો દર્શનાર્થે આવતા આમ છતાં સલામતી વિભાગના સુરક્ષા કવચને કારણે એકપણ દુર્ઘટના બની નહોતી. સલામતી વિભાગની સેવાથી પોલીસ પણ પ્રભાવિત હતી.

પાણી વિભાગ

પાણી વિભાગે પાણીનો ખોટો બગાડ ના થાય અને પાણીની તંગી પણ ના સર્જાય એવી રીતે પાણીના વિતરણની વ્યવસ્થા ગોઠવી હતી. શિયાળાની ઠંડીમાં વહેલી સવારે સેવામાં આવેલા હજારો સ્વયંસેવકો માટે સ્નાન માટેના ગરમ પાણીની વ્યવસ્થા થઇ જતી.

ઉતારા વિભાગ

આ ઉત્સવનો લાભ લેવા માટે જુદા જુદા ૫૫ દેશમાંથી આવેલા હજારો ભક્તો ઉપરાંત ભારતભરમાંથી આવેલા હરિભક્તો માટે ગોંડલ અને આસપાસના વિસ્તારમાં ૧૦૦૦૦ જેટલા ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં ઉતારો આપવામાં આવ્યો હોય ત્યા જરૂરી આનુંસંગીક સેવાઓ સમયસર મળી રહે એવી અફલાતુન વ્યવસ્થા ગોઠવી હતી.

પીઆર અને પ્રેસ વિભાગ

મહોત્સવનો લાભ લેવા આવતા મહાનુભાવોની દર્શન વ્યવસ્થા સંભાળતા પીઆર વિભાગના સ્વયંસેવકો દિવસ-રાત ખડે પગે હતા. આવનારા તમામ મહાનુભાવોના જુદા જુદા વિભાગો પાડીને જુદી જુદી તારીખ પર જુદા જુદા મહાનુભાવોને પધારવા આમંત્રણ આપ્યું હતું જેથી એક જ સરખો ધંધો કે વ્યવસાય કરતા મહાનુભાવો એક સાથે મહોત્સવને માણી શકે. પ્રિન્ટ અને ડીઝીટલ મીડિયાના માધ્યમથી દેશ-વિદેશના લોકો  મહોત્સવની પળે પળની ખબર મેળવી શકે એવું સુંદર આયોજન પ્રેસ વિભાગ દ્વારા થયું હતું. પત્રકારો અને મીડિયા કર્મીઓના સંપર્કમાં રહીને મહોત્સવની રોજે રોજની માહિતી ફોટોગ્રાફ્સ અને વિડીયો સાથે પહોંચતી કરવામાં આવતી હતી.

સ્વચ્છતા વિભાગ

મહોત્સવની મુખ્ય સભામાં જ રાષ્ટ્રપતિશ્રીએ બીએપીએસ સંસ્થાના મંદિરોની સ્વચ્છતાના વખાણ કર્યા હતા. ૨૦૦ એકરમાં પથરાયેલા સ્વામિનારાયણ નગરમાં તમને એક કાગળ ઉડતો નજરે ના પડે એવી સ્વચ્છતા આ વિભાગના સ્વયંસેવકોને આભારી હતી. મોડી રાત્રે દર્શનાર્થીઓ વિદાય થાય પછી સવાર સુધી સફાઈનું કામ ચાલતું.

પાર્કિંગ વિભાગ

પાર્કિંગ વિભાગની કામગીરીથી સૌ દર્શનાર્થીઓ ખુશ હતા. પાર્કિંગ અને મહોત્સવ સ્થળ સામસામે જ હતા એટલે વાહન પાર્ક કરીને દર્શનાર્થીને વધુ ચાલવું ના પડતું. પાર્કિંગમાં વાહનોની ગોઠવણી, એન્ટ્રી, એક્ઝીટ આ બધી વ્યવસ્થા એટલી સરસ રીતે ગોઠવાયેલી હતી કે હજારો વાહનો હોવા છતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી નહોતી.

મેડીકલ વિભાગ

ઉત્સવમાં આવતા દર્શનાર્થીઓને કોઈ શારીરિક તકલીફ પડે તો તાત્કાલિક સારવાર માટે મહોત્સવના સ્થળ પર જ એમ્યુલન્સ સુવિધા સાથેની હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. વિવિધ વિભાગોના ડોકટરો ૨૪ કલાક સેવા બજાવતા હતા.

આ ઉપરાંતના બાકીના બધા વિભાગોએ સમર્પણ ભાવે કરેલી કામગીરીથી મહોત્સવને ચાર ચાંદ લાગી ગયા હતા.

સ્વયંસેવકોની સેવા અને સમર્પણ

આ મહોત્સવમાં જોડાયેલા સ્વયંસેવકોએ સેવા અને સમર્પણનો આદર્શ પૂરો પડ્યો હતો. ઘણી બધી આર્થિક, વ્યવહારિક અને પારિવારિક તકલીફો વચ્ચે પણ બધાએ ખૂબ સારી સેવા કરી હતી. કડી ગામના ગાંડાભાઈ પટેલ મહોત્સવ પૂર્વે ચાલી ન શકે તેવી પરિસ્થિતિમાં પલંગ પર સુઈ રહેતા. પણ પોતે સેવાના ઈશકથી અક્ષરદેરીની પ્રાર્થના કરીને સાજા થઇ ઉતારા વિભાગની સેવામાં જોડાઈ ગયા. રાત્રે ૨:૩૦ વાગ્યે જાગવાનું, ૪-૪ માળ ચઢવાના વગેરે અનેક પ્રકારે તેઓએ બીમારીને ગોણ કરીને સેવા કરી હતી. તો વળી જેતપુરના ધર્મેશભાઈ રૂપાપરાને મોબાઈલ રીપેરીંગની દુકાન છે. પોતાના ગુજરાનનો એકમાત્ર આધાર આ દુકાનને બંધ કરીને તેઓ ૪૦ દિવસની સેવામાં જોડાયા હતા. તે જ રીતે જસદણના રાજુભાઈ અને અશોકભાઈ સોલંકી પોતાનું હેન્ડીક્રાફ્ટનું કારખાનું બંધ કરીની ૧૦ કારીગરો સાથે સેવામાં ૪૦ દિવસ માટે આવી ગયા હતા. આમ, કેટલાય સ્વયંસેવકો નોકરી-ધંધો ત્યાગ કરી આ મહોત્સવને શોભાડવા પધાર્યા હતા. મુસ્લિમ ભાવિક ભક્ત એવા મહેબુબભાઈ સૈયદે પણ બીજા ૨ લોકોને સાથે લાવીને દિવસો સુધી ડેકોરેશન વિભાગમાં સેવા કરી હતી. આમ, નાત-જાત, ગરીબ-તવંગર, સ્ત્રી-પુરૂષ વગેરે લૌકિક પરમાણોથી ઉપર જઈને ૧૫૦૦૦ થી વધુ સ્વયં સેવકોએ અક્ષરદેરી સાર્ધશતાબ્દી મહોત્સવમાં ચાર ચાંદ લગાવ્યા હતા.« (Previous News)
(Next News) »error: Content is protected !!