Main Menu

સોમનાથમાં અતિ આધુનિક કક્ષાનું લેઉવા પટેલ અતિથિ ભવન લેશે આકાર: 11મીએ ભૂમિપૂજન

રાજકોટ : દેશના બાર જયોતિર્લીંગ પૈકીનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ છે. આ ઉપરાંત જયાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહત્યાગ કર્યો તે ગૌલોકધામ, ભાલકાતીર્થ પણ અહીં આવેલા છે. પરિણામે પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો સોમનાથમાં દર્શનાર્થે આવે છે. સોમનાથમાં રહેવા માટે અનેક હોટલ અને ધર્મશાળાઓ પણ છે પરંતુ હોટલોના ઉંચા ભાડા અને ધર્મશાળામાં પૂરતી સુવિધા નહિં હોવાના કારણે યાત્રિકોને મુશ્કેલી પડતી હોય છે. જે ધ્યાને રાખીને શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ – સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટના માધ્યમથી સોમનાથમાં અતિઆધુનિક કક્ષાના અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ અતિથિ ભવનનું ભૂમિપૂજન તા.૧૧ રવિવારના રોજ થશે. આ પહેલા ૧૦મીએ શનિવારે સાંજે સોમનાથ મંદિરમાં ભવ્યથી ભવ્ય ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રે સોમનાથં ચ…. જયોતિર્લિંગ શ્લોકની શરૂઆત જ અહીંથી થાય છે. સોમનાથ દાદાના દર્શન કરવા દેશભરમાંથી લોકો આવે છે. શ્રી લેઉવા પટેલ અતિથિ ભવન વેરાવળ – સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે સોમનાથમાં અતિઆધુનિક અતિથિ ભવનનંુ નિર્માણનું સ્વપ્ન જોનાર લેઉવા પટેલ સમાજના માર્ગદર્શક નરેશભાઈ પટેલના નેતૃત્વમાં ભૂમિપૂજન ૧૧મીને રવિવારે સવારે ૮:૩૦ કલાકે જાણીતા ઉદ્યોગપતિ તુલસીભાઈ તંતી (સુઝલોન ગ્રુપ- પુના)ના હસ્તે કરવામાં આવશે.

સમારોહના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હાજર રહેશ.જયારે સમારોહના ઉદ્દઘાટક તરીકે ગોવિંદભાઈ ધોળકીયા (રામકૃષ્ણ એકસપોર્ટ- સુરત), લાલજીભાઈ પટેલ (પ્રમુખ, સમસ્ત પાટીદાર સમાજ – સુરત), વસંતભાઈ ગજેરા (લક્ષ્મી ડાયમંડ – સુરત), લવજીભાઈ ડાલીયા (બાદશાહ – અંજની ગ્રુપ સુરત), સવજીભાઈ ધોળકીયા (હરેકૃષ્ણ એકસપોર્ટ- સુરત), મથુરભાઈ સવાણી (પ્રમુખ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ), શંભુભાઈ પરસાણા (પ્રશાંત કાસ્ટીંગ – રાજકોટ), રમેશભાઈ પટેલ (પટેલ બ્રાસ – રાજકોટ) અને મહેશભાઈ સવાણી (પી. પી. સવાણી ગ્રુપ – સુરત) ઉપસ્થિત રહેશે.

મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ ઉડ્ડયનમંત્રી પ્રફુલભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ સિદ્ધાર્થભાઈ પટેલ, કેબીનેટ મંત્રી આર. સી. ફળદુ, કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિતના સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનો ઉપસ્થિત રહેશે.

વેરાવળ બાયપાસ તાલાલા ચોકડીથી આગળ હોટલ સુગર એન્ડ સ્પાઈસની બાજુમાં વેરાવળ – સોમનાથ ખાતે લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. જેના ભૂમિપૂજન પ્રસંગે સવારે ૯ કલાકથી સ્ટેજ કાર્યક્રમનો પ્રારંભ થશે. દાતાઓનું સન્માન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. બપોરે ભોજનપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારબાદ બપોરે ૧ વાગ્યાથી ભાતીગળ લોકડાયરો યોજાશે. લોકડાયરામાં કલાકારો અલ્પાબેન પટેલ, બ્રીજરાજદાન ગઢવી, યોગીતાબેન પટેલ અને સુખદેવભાઈ ધામેલીયા હશે.

લેઉવા પટેલ અતિથિ ભવન અતિઆધુનિક કક્ષાનું બનાવવામાં આવશે. અંદાજે ૧ લાખ સ્કવેર ફૂટનું બાંધકામ થશે. બાંધકામ બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ ચરણમાં રૂમ, બેન્કવેટ હોલ અને ભોજનાલયનું નિર્માણ કરવામાં આવશે.

બીજા તબક્કામાં કલબ હાઉસ, સ્વીમીંગ પુલ, થિયેટર, પાર્ટીલોન્સ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. અતિઆધુનિક કક્ષાનું ભવન હોવા છતાં અતિથિઓને વ્યાજબી ભાવે રહેવાની સગવડ કરવામાં આવશે.

અતિથિ ભવનનું વિશેષતા

૧૦ વિઘામાં થશે અતિથિ ભવનનું નિર્માણ

ડિલકક્ષ અને સ્વીટરૂમ સહિતના ૯૨ રૂમ હશે.

સ્વીમીંગ પુલ

૨ વિશાળ બેન્કવેટ હોલ

૨૩૪૭ સ્કે. ફૂટના બે ડોરમેટ્રીક હોલ

બાળકો માટે ગેમઝોન

૩૮,૭૫૦ સ્કે. ફૂટનો પાર્ટીલોન્સ

અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથેનું થિયેટર

રેસ્ટોરન્ટ અને કાફેટેરીયા

વિશાળ પાર્કીંગની સુવિધા

અદ્યતન એન્ટ્રી ગેઈટ

૨૮૬૨ સ્કે. ફૂટમાં કલબ હાઉસ.


error: Content is protected !!