Main Menu

ટ્રમ્પે મોદીને કર્યો ફોન, માલદીવ સહિતના મુદ્દે થઈ વાતચીત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીએ ફોન પર વાત કરી છે. વ્હાઇટ હાઉસે આ અંગેની જાણકારી આપી હતી. બંને નેતાઓએ માલદીવ સંકટથી લઈને અનેક મુદ્દે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક સેક્ટરની સુરક્ષા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાની તૈયારી બતાવી હતી.

વ્હાઇટ હાઉસ તરફથી ફરી એકવાર અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ટ્રમ્પની સાઉથ એશિયા રણનીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનની સ્થિરતા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશના નેતાઓએ માલદીવમાં આવેલા રાજકીય સંકટ પર પણ ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચે માલદીવમાં લોકતાંત્રિક મૂલ્યો અને કાયદા અને વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ હતી. મોદી અને ટ્રમ્પે નોર્થ કોરિયાના ન્યૂક્લિયર કાર્યક્રમને લઈને પણ ચર્ચા કરી હતી. બંને નેતાઓએ દુનિયાને પરમાણુ રહિત બનાવવા પર એપ્રિલમાં મંત્રી લેવલની બેઠક યોજવા પર પણ સહમતિ આપી હતી.

દક્ષિણ એશિયામાં સુરક્ષા વ્યવસ્થા અને શાંતિ સ્થાપવાનો મુદ્દો પણ બંને નેતાઓ વચ્ચે મુદ્દો રહ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને મોદી વચ્ચે મ્યામારના રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે આ હાલ બાંગ્લાદેશમાં આશરે 68 લાખ જેટલા રોહિંગ્યા શરણાર્થીઓ હયાત છે. જેની અસર બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર પણ પડી રહી છે. બંને નેતાઓએ આ અંગે પણ વાતચીત કરી હતી. અમેરિકાએ કહ્યું હતું કે રોહિંગ્યા મુસ્લિમો માટે હાલમાં મ્યાનમાર પરત ફરવાનો યોગ્ય સમય નથી.

નોંધનીય છે કે સોમવારે માલદીવના રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ્લા યામીન અબ્દુલ ગયૂમે દેશમાં 15 દિવસ સુધી કટોકટીની જાહેરાત કરી દીધી હતી. કટોકટી જાહેર થયા બાદ પોલીસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ તેમજ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ સહિત અનેક લોકોની ધરપકડ કરી લીધી હતી.

બીજી તરફ ચીને માલદીવ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપનો ઇન્કાર કરી દીધો છે. જોકે, તેમણે માલદીવના સંકટ પર વાતચીત દ્વારા મુદ્દાને ઉકેલવાની તરફેણ કરી હતી.