Main Menu

હાર્દિકની મમતા બેનરજી સાથે મુલાકાત, દીદીને કહ્યાં ‘લેડી ગાંધી’

પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ હાર્દિક પટેલે મમતા બેનરજીને ‘લેડી ગાંધી’ કહ્યા હતા. બંને વચ્ચે કોલકાતામાં મુલાકાત થઈ હતી. પશ્ચિમ બંગાળના રાજકારણમાં નવા સમિકરણોને લઈને આ બેઠક યોજવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે 2019માં લોકસભાની ચૂંટણીને લઈને એક નવું જ ગઠબંધન તૈયાર કરવાની રણનીતિ અંગે બંને વચ્ચે ચર્ચા થઈ હતી. આ દરમિયાન હાર્દિકે કહ્યું હતું કે તેઓ આગામી ચૂંટણીમાં મમતા બેનરજી માટે વોટ માંગશે. આની સાથે જ હાર્દિકે તૃણમૃલ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા મમતા બેનરજીને ગુજરાત આવવાનું નિમંત્રણ પણ આપ્યું હતું.

મુલાકાત બાદ હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, ‘શું વાત છે. સાદગીનો પર્યાય એટલે મમતા દીદી. આજે હું લેડી ગાંધી અને વેસ્ટ બેંગાલના મુખ્યપ્રધાન @MamataOfficialને મળ્યો. દીદીએ મને કહ્યું કે, પ્રામાણિકતા, કુશળતા, પારદર્શિતા અને પોતાના વિચારોથી આગળ વધો, ભગવાન તમને સફળતા અપાવશે. દીદીએ પોતાની ઓફિસમાંથી મને કોલકાતાનો નજારો બતાવ્યો હતો.’

હાર્દિક પટેલની મુલાકાતની પાછળ ટીએમસીની બેચેનીનું કારણ ફક્ત બીજેપી છે. કારણ કે પશ્ચિમ બંગાળની ધરતી પર ધીમે ધીમે કમળ ખીલી રહ્યું છે. એવામાં મમતા બેનરજીને લાગી રહ્યું છે કે તે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સાથે મળીને રાજ્યમાં બીજેપી વિરુદ્ધ યુદ્ધ છેડી શકે છે. ગુજરાત વિધાનસભાના પરિણામ બાદ મમતા બેનરજીએ હાર્દિક પટેલને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ તેના કામની પ્રશંસા કરી હતી.