Main Menu

કેમ ચિંતિત છે છોકરીઓને લઈને ગોવાના મુખ્યમંત્રી પારિકર?

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર એ વાતને લઈને ચિંતિત છે કે હવે છોકરીઓ પણ દારૂ પીવા લાગી છે. તેમણે કહ્યું, ‘મને હવે ડર લગાવા લાગ્યો છે. હવે છોકરીઓએ પણ બિયર પીવાનું શરૂ કરી દીધું છે. સહનશક્તિની સીમા તૂટી ગઈ છે.’

પારિકરે દર વર્ષે રાજ્ય વિધાનમંડળ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવતી રાજ્ય યુવા સંસદને સંબોધિત કરતા કહ્યું કે, ‘હું તમામ લોકોની વાત નથી કરી રહ્યો. જે લોકો અહીં બેઠા છે હું તેમની પણ વાત નથી કરી રહ્યો.’

રાજ્યમાં નશીલા પદાર્થોના થતાં વેચાણ પર બોલતા તેમણે કહ્યું હતું કે, ગુનેગારોની ધરપકડ સતત કરવામાં આવી રહી છે. જ્યાં સુધી આ તમામ વસ્તુ ખતમ નહીં થઈ જાય ત્યાં સુધી આ કામ ચાલુ જ રહેશે. જોકે, મને વિશ્વાસ નથી કે આ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.

પારિકરે કહ્યું, ‘હું વ્યક્તિગત રીતે એવું માની રહ્યો છું કે કોલેજોમાં નશીલા પદાર્થોનો પ્રસાર બહુ વધારે નથી થયો.’ તેમણે કહ્યું જ્યારથી પોલીસને નશીલા પદાર્થની હેરફેર કરતા લોકોની ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારથી આશરે 170 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું, ‘કાયદા પ્રમાણે જો ડ્રગ્સની માત્રા ઓછી હોય તો દોષીને 8 થી 15 દિવસ અથવા મહિનામાં જામીન મળી જાય છે. આપણું ન્યાયતંત્ર આ મામલે નરમ વલણ અપનાવે છે. પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી રહી છે તે સારી વાત છે.’

બેરોજગારી પર બોલતા પારિકરે કહ્યું કે, આજકાલ યુવાઓ વધારે પરિશ્રમ કરવાથી દૂર ભાગી રહ્યા છે. આજ કારણ છે કે એક ક્લાર્કની નોકરી માટે પણ લાંબી લાઈનો લાગી જાય છે.

નોંધનીય છે કે ગોવામાં ડ્રગ્સ માફિયાઓનો ત્રાસ છેલ્લા થોડા વર્ષોથી ખૂબ વધ્યો છે. ગોવા ટૂરિઝમ પોઈન્ટ હોવાથી અહીં આવતા પર્યટકોની ડિમાન્ડને પગલે અહીં ડ્રગ્સ અને પાર્ટી કલ્ચર ખૂબ જ વિકસ્યું છે.






error: Content is protected !!