Main Menu

‘ટ્રમ્પ’ અને ‘કિમ’ને ઓલિમ્પિક સેરેમનીમાંથી કરાયા બહાર!

દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગમાં આ વર્ષે વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારે ઉદ્ઘાટના સમારંભમાં એક રસપ્રદ બનાવ બન્યો હતો. સમારંભમાં હાજર રહેલા ‘ડોનાલ્ડ ટ્રમ્પ’ અને ‘કિમ જોંગ’ને સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

હકીકતમાં વિન્ટર ઓલિમ્પિક ઉદ્ઘાટના સમારંભ દરમિયાન બે પ્રશંસક અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના ગેટઅપ (વેશ)માં અહીં પહોંચી ગયા હતા. તેમને જોતા જ હાજર લોકોએ કોલાહલ કર્યો હતો. આના કારણે સુરક્ષા વ્યવસ્થાપકોએ બંનેને સ્ટેડિયમમાંથી બહાર કાઢ્યા હતા.

કિમ જોંગના વેશમાં સ્ટેડિયમ પહોંચેલા પ્રશંસકે કહ્યું કે, ‘અમે બંને(પોતે અને ટ્રમ્પના ગેટઅપમાં રહેલો બીજો વ્યક્તિ) એક સાથે સારા દેખાઈ રહ્યા હતા. અમે બધાને ચોંકાવવા માંગતા હતા કે વિશ્વ શાંતિ માટે બંને નેતા એક સાથે હોઈ શકે છે? પરંતુ અમને સુરક્ષા ગાર્ડે બહાર કાઢી મૂક્યા હતા. આ ખૂબ જ દુઃખદ અને અયોગ્ય વર્તન છે.’

શુક્રવારે વિન્ટર ઓલિમ્બિક ઉદ્ઘાટન સમારંભમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે એકતાનો સંકેત મળ્યો હતો. આ રમતોત્સવમાં કિમ જોંગે પ્રતિનિધિમંડળ સાથે પોતાની બહેન કિમ યો જોંગ અને રાષ્ટ્રના અધ્યક્ષ કિમ યોંગ નમને દક્ષિણ કોરિયા મોકલ્યા હતા.

બંને દેશના એથ્લિટ્સ ઝંડો લઈને અરીના પહોચ્યા હતા. આ વખતે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ અને કિમ જોંગની બહેન યો જોંગ વીઆઈપી બોક્સમાં હાજર હતા.

નોંધનીય છે કે ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર કાર્યક્રમને લઈને કોરિયન દ્વીપકલ્પમાં તણાવ હતો. દક્ષિણ કોરિયાના સમર્થનમાં ઉતરેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક તેમજ સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે આ બાબતે દોષારોપણ અને નિવેદનબાજી પણ બહુ ચાલી હતી. બંનેએ એક બીજા ઉપર ન્યૂક્લિયર હુમલો કરવાની પણ ધમકી આપી દીધી હતી.

વિન્ટર ઓલિમ્પિક નજીક આવતાની સાથે સાથે કિમ જોંગ થોડા નરમ પડ્યા હતા. તેમણે રમતોત્સવમાં ભાગ લેવા માટેના દક્ષિણ આફ્રિકાના નિમંત્રણનો સ્વીકાર કર્યો હતો. હવે બંને દેશ વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે.