Main Menu

રેસનિંગનું અનાજ બારોબાર ઉપાડી લેવાનું કૌભાંડ ઝડપાયું

અમરેલી, રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે ફાળવવામાં આવતા રેશનિંગના જથ્થાનો પુરવઠો, કાર્ડ ધારકોને જાણ વગર રેશનિંગ ડિલરો દ્વારા
ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ થતા, જિલ્લા પુરવઠા તંત્રે લાલ આંખ કરીને આંઠ રેશનીંગ પરવાનેદારો ના લાયસન્સ 90 દિવસ માટે
સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે.

સરકાર દ્વારા ગરીબોને મળતું સસ્તું અનાજ બારોબાર વગે કરી જવાતુ હોવાનું સાંભળ્યું હતું, પણ ખરેખર ગરીબોના જથાનું મળતું સસ્તું

અનાજ, ઘઉં, ચોખા, કેરોસીન જેવી ખાધ્ય વસ્તુઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના રેશનિંગ કાર્ડના ઉપયોગ વિના રેશનીંગ પરવાનેદારો જ કાર્ડ
ધારકની જાણ વિના ઉપાડી લેતા હોવાનો ચોંકાવનારો ખુલાસો અમરેલી માં થયો છે. સુરતના ઉધોગપતિ અને અમરેલીના વસંત હરી ગજેરા, ગુજકોના ચેરમેન દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણી, વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય ઠાકરશી મેતલીયા સહિત અમરેલીના વરિષ્ઠ પત્રકારોના નામે બાયોમેટ્રીક મશીનમાં અંગુઠા ગેરકાયદેસર મેળવીને રેશનીંગનો જથ્થો બારોબાર પગ કરી જતા અમરેલી જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે.

આ મુદ્દે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, આ રાજ્યની અંદર સરકારનો વહીવટ ભ્રષ્ટાચારથી ભરેલો છે. મેં ક્યારેય ઘઉં, ચોખા કે કેરોસીન લીધું નથી, પરંતુ મારા નામે ગેરરીતી આચરવામાં આવી છે તેના વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ. આવા લોકોને જાહેરમાં કોરડા મારવા જોઈએ.

રેશનીંગનો પુરવઠો મેળવવા કાર્ડ ધારકનો અંગુઠો બાયોમેટ્રીક મશીનમાં લેવાય છે, પછી રેશનીંગ ડિલરો અનાજનો જથ્થો ફાળવતા હોય છે પણ બાયોમેટ્રીક મશીનમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓના અંગુઠા મેળવીને 8 જેટલા રેશનીંગના ડીલરો સસ્તા અનાજનો જથ્થો ખાઈ જતા 8 ડિલરો સામે જિલ્લા પુરવઠા તંત્રે 90 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે.

ઇન્ચાર્જ, પુરવઠા અધિકારી વી.એમ.પ્રજાપતિએ જણાવ્યું કે, અમરેલી જીલ્લામાં એન.એફ.એસ.એ. સ્કીમ હેઠળ સરકાર દ્વારા અનાજ પૂરું પાડવામાં આવે છે. સામાન્ય રીતે લાભાર્થી રેશનીંગ કાર્ડ લઈને આવે અને અંગુઠાનું નિશાન આપે તો અનાજ આપવામાં આવતું હોય છે, પરંતુ દુકાનદારોએ ભેગા મળીને સિસ્ટમનો દુરુપયોગ કરીને જે કાર્ડ ધારકો અનાજ લેવા આવતા નહોતા તેના નામે પણ પુરવઠો ઉપાડી લીધો હતો. આવા ૮ દુકાનદારોના પરવાના હાલ મોકૂફ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

અમરેલી શહેર સાથે જિલ્લાભરમાં રેશનીંગનો જથ્થો બારોબાર પગ કરી જતું હોવાનું કૌભાંડ સામે જિલ્લા પુરવઠા તંત્રે 90 દિવસ લાયસન્સ સસ્પેન્ડ કરીને ઘોડા નાસી ગયા બાદ તબેલે તાળા મારવા નીકળ્યા જેવો ઘાટ ઘડાયો છે પણ આવા ગરીબો ના અનાજ હજમ કરી જતા સામે ફોજદારી ફરિયાદની કાર્યવાહી કેમ ન કરી તે તંત્ર સામે પણ આંગળીઓ ચીંધાઈ રહી છે.