Main Menu

તાલિબાન સાથે યુદ્ધના નામ પર US પાસેથી હથિયારો લઈને ભારત સામે વાપરે છે પાક

પાકિસ્તાનને ભારતે અમેરિકાની સામે ફરી એકવખત ઉઘાડું કરી દીધું છે. પાકિસ્તાન આતંકી સંગઠન તાલિબાનની વિરૂદ્ધ લડાઇના નામ પર અમેરિકાના હથિયારો મેળવે છે અને પછી તેનો ઉપયોગ ભારતની વિરૂદ્ધ કરે છે. આ અંગેના ભારતે અમેરિકાને પુરાવા સોંપ્યા છે.

ભારતે કહ્યું કે અમેરિકાએ તાલિબાનની વિરૂદ્ધ લડવા માટે પાકિસ્તાનને US TOW-2A એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ જેવા હથિયાર આપ્યા છે. જોકે તેઓ તેનો ઉપયોગ ભારતીય સેનાની વિરૂદ્ધ કરી રહ્યાં છે.

અમેરિકા હથિયારોથી પાકિસ્તાન સતત LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર ફાયરિંગ કરી રહ્યું છે અને ભારતીય સુરક્ષા દળો અને ચોકીઓને નિશાન બનાવી રહ્યું છે. છેલ્લાં દોઢ મહિનામાં પાકિસ્તાન તરફથી કરાયેલ સીઝફાયર ઉલ્લંઘનમાં અત્યાર સુધીમા ઓછામાં ઓછા નવ ભારતીય સૈનિક શહીદ થઇ ગયા છે.

TOW-2A એન્ટી-ટેન્ક મિસાઇલને અમેરિકાએ વિકસિત કરી હતી, જેને પાકિસ્તાને આત્મરક્ષા અને અફઘાનિસ્તાનમાં આતંકીઓની વિરૂદ્ધ અમેરિકન ઓપરેશન્સને મદદ કરવા માટે ખરીદ્યા હતા. ઓક્ટોબર 2007માં અમેરિકન કોંગ્રેસે પાકિસ્તાનને 2000 એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ આપવાનો રસ્તો સ્પષ્ટ કર્યો હતો.

પાકિસ્તાન અમેરિકાથી જે હથિયારોને આતંકીઓની વિરૂદ્ધ લડવા માટે માંગે છે, તેનો ઉપયોગ ભારતની વિરૂદ્ધ કરી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદને આશરો આપવાને લઇ પાકિસ્તાનને બરાબર આડા હાથે લીધું હતું. નવા વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર અમેરિકાને ‘જુઠ્ઠાણું અને છેતરવા’ સિવાય કંઇ ન કર્યાની વાત કહી હતી.

તેની સાથે જ ટ્વીટમાં લખ્યું હતું કે છેલ્લાં 15 વર્ષમાં 33 અબજ ડોલરની સહાયતા આપવાના બદલામાં પાકિસ્તાને આતંકવાદીઓને ‘આશરો’ આપવાનું કામ કર્યું છે. ટ્રમ્પની આ ટ્વીટ બાદ જ અમેરિકાએ એક્શન લીધું અને પાકિસ્તાનને અપાતા ફંડ પર પ્રતિબંધ મૂકી દીધો. પાકિસ્તાનની હરકતને અમેરિકા પહેલાં જ સમજી ચૂકયું છે. આ દ્રષ્ટિથી તેઓ પાકિસ્તાનની વિરૂદ્ધ પોતાનો અભિગમ સ્પષ્ટ કરી ચૂકયું છે.

તાજેતરના દિવસોમાં ભારત અને અમેરિકાની વચ્ચે રક્ષા સહયોગમાં વધારો થયો છે. 2015ની સાલમાં ભારત અને અમેરિકાની વચ્ચે 10 વર્ષના ડિફેન્સ ફ્રેમવર્ક એગ્રીમેન્ટને રિન્યુ કરાયો હતો. તેના એક વર્ષ બાદ અમેરિકાએ ભારતને મોટો રક્ષા ભાગીદારનો દરજ્જો આપ્યો હતો.






error: Content is protected !!