Main Menu

રાજકોટ બી.એ.પી.એસ મંદિર ખાતે પ.પૂ. મહંત સ્વામીની હાજરીમાં દ્વિતીય દિને પદવીદાન સમારોહ યોજાયો

પ.પૂ મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં દ્વિતીય દિને સેવક દિનની ભવ્ય ઉજવણી

(સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ) રાજકોટ, તા. 23, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ૧૪ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગત દ્વિતીય દિન સેવક દિન તરીકે ઉજવવામાં આવ્યો, જેમાં સારંગપુર ખાતે ચાલતા યુવા તાલીમ કેન્દ્રના સેવકોનો પદવીદાન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
યુવા શક્તિ સમાજની એવી મહત્વની શક્તિ છે તેને જો યોગ્ય દિશા અને સાચું માર્ગદર્શન મળે તો એનાથી અકલ્પનિય કાર્યની સિદ્ધિ થઇ શકે. તેના માટે ૨૦૦૭માં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી યુવા તાલીમ કેન્દ્રની શરૂઆત થઇ.

કુલ ૬ મહિનાની આ તાલીમમાં વિદ્વાન અને અનુભવી સંતોનું માર્ગદર્શન, સંતો અને અનુભવી નિષ્ણાંતોનું સતત સાન્નિધ્ય, વરિષ્ઠ સંતો દ્વારા દિશા દર્શન અને માર્ગદર્શન દ્વારા થીઅરી સાથે પ્રેકટીકલ તાલીમ દ્વારા યુવાનોને અધ્યાત્મકલક્ષી, જીવનલક્ષી, સેવાલક્ષી, અને કળા-કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં આવે છે.

સારંગપુર સ્થિત યુવા તાલીમ કેન્દ્રમાં અધ્યાત્મકલક્ષી, જીવનલક્ષી, સેવાલક્ષી અને કળા-કૌશલ્યક્ષી તાલીમ પામેલા સેવકોનો પદવીદાન (તસ્વીર- ચિરાગ માલવી)

જે અંતર્ગત સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોનું અધ્યયન તથા વ્યક્તિત્વ વિકાસની તાલીમ આપવામાં આવે છે. યુવાન ન કેવળ અધ્યાત્મિક પરંતુ વ્યવહારિક જીવનની અંદર સફળતા મેળવે એ માટે પ્રવચનકળા, ટાઈમ મેનેજમેન્ટ તથા માનવીય સંબંધોની ઉપયોગીતા જેવા વિવિધ કળા-કૌશલ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે.

સાથે સાથે યોગાસન-પ્રાણાયામ, નિર્વ્યસની જીવન, શુદ્ધ આહાર-વિહાર તેમજ સ્વાસ્થ્યલક્ષી મહત્વતાના પાઠને પોતાના જીવનની અંદર ઉતારવાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
યુવા તાલીમ કેન્દ્રમાંથી સંપૂર્ણ તાલીમ લીધા બાદ યુવાનોમાં આત્મવિશ્વાસ, સંસ્કાર, દયા, મદદ કરવાની ભાવના વિકસે છે જે BAPS સંસ્થાનું સમાજને અનેરું પ્રદાન છે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના યુવા તાલીમ કેન્દ્રના સેવકોને આશીર્વાદ આપતા કહે છે કે, ‘યુવાન ૬૦ વર્ષમાં ન શીખી શકે તે યુવા તાલીમ કેન્દ્રમાં ૬ મહિનામાં શીખવવામાં આવે છે’. અત્યાર સુધીમાં ૧૧૦૦થી વધુ યુવાનો યુવા તાલીમ કેન્દ્રમાંથી જીવનઘડતરની તાલીમ પામ્યા છે.

આજના દિને કુલ ૧૦૦ જેટલા યુવા તાલીમ કેન્દ્રના સેવકોનો પદવીદાન સમારોહ યોજાયેલો જેમાં ગુજરાત સહિત બીજા પ્રાંતના યુવકોએ પણ તાલીમ પ્રાપ્ત કરેલી. આ બધા યુવકોએ વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા યુવા તાલીમ કેન્દ્રમાં શીખવાતા પાઠોની રજૂઆત કરેલી અને સ્વાનુભાવો પણ રજૂ કર્યા હતા. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે યુવા તાલીમ કેન્દ્રના યુવાનોને આશીર્વચન આપતા સેવા સમર્પણનો મહિમા અને સત્સંગની દ્રઢતા થાય અને સદાચારી જીવન માટે પ્રેરક બળ પૂરું પાડ્યું હતું.