Main Menu

રાજકોટ બી.એ.પી.એસ મંદિર દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સંકલ્પ દિનની ભવ્ય ઊજવણી

રાજકોટમાં નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થતાં આ વર્ષે ભવ્ય ઉજવણી થશે

(સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ), રાજકોટ, તા. 24, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના ૧૪ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગત સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટમાં પધરાવેલ નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠાવિધિ ગોંડલ મુકામે પરમ પૂજ્ય પ્રમુખસ્વામીના વરદ હસ્તે સંપન્ન થયેલી. ગોંડલ મુકામે નીલકંઠવર્ણીની પ્રતિષ્ઠા સમયે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, ‘અહીં નીલકંઠવર્ણી પર અભિષેક કરવાથી સર્વ મનોરથ પૂર્ણ થશે, જીવનમાં શાંતિ થશે. શારીરિક, માનસિક, આર્થિક, આધ્યાત્મિક ઉત્કર્ષ થશે, કામ-ક્રોધાદિક દોષો ટળી જશે. તો સૌએ તેમના અભિષેકનો લાભ લઇ કૃતાર્થ થવું.’ આ આશીર્વાદ મુજબ નીલકંઠવર્ણી હજારો ભક્તોના સંકલ્પ પુરા કરી રહ્યા છે.

શ્રી નીલકંઠવર્ણી એટલે એક સ્વયં તપોમૂર્તિ, જેમના નિત્ય સ્મરણથી આજે પણ અસંખ્ય લોકો જીવનમાં સંયમ અને તપની પવિત્ર પ્રેરણા મેળવે છે. શ્રી નીલકંઠવર્ણી એટલે સાક્ષાત ધૈર્યમૂર્તિ, જેમના દર્શનથી આજે નિત્ય લાખો લોકો ધૈર્ય અને તિતિક્ષાની દ્રઢતા કેળવે છે. શ્રી નીલકંઠ એટલે સાક્ષાત શાંતિનો સ્ત્રોત, જેમના ચીંધેલા માર્ગે ચાલીને આજેય અસંખ્ય લોકો દિવ્ય શાશ્વત શાંતિનો અનુભવ કરે છે. શ્રી નીલકંઠ એટલે અનંત દિવ્ય સદગુણો અને પરમ સુખનું સર્વોપરી નિવાસસ્થાન, જેમના પર અભિષેક કરીને નિત્ય લાખો હરિભક્તો પવિત્ર સદગુણોથી સભર બનીને દિવ્ય સુખ પામવાની યાચના કરે છે. શ્રી નીલકંઠ એટલે કરુણાની ભાગીરથી, જેમણે આ ધરતી પર અવતરીને અસંખ્ય મુમુક્ષુઓના કલ્યાણ માટે કરુણાની ગંગા વહાવી અખિલ ભારતમાં વિચરણ કરીને સકળ ધરતીને તીર્થત્વ આપ્યું. શ્રી નીલકંઠ એટલે સર્વોપરી ઉપાસ્ય મૂર્તિ, જેમની ઉપાસના કરીને છેલ્લા ૨૦૦ વર્ષથી અસંખ્ય લોકો આત્યંતિક મુક્તિનો માર્ગ પામે છે અને જીવનની ધન્યતા અનુભવે છે.

શ્રી નીલકંઠનેવર્ણીને આ પૃથ્વી પર અવતર્યે આજે ૨૩૭ વર્ષનો સમય વીત્યો છે છતા પણ એમના સ્મરણમાત્રથીજ પ્રગટપણાની અનુભૂતિ થાય છે. આજ થી ૨૩૭ વર્ષ પૂર્વે ૧૭૮૧ ચૈત્ર શુક્લ નવમી (રામનવમી) ના પવિત્ર દિને (તારીખ ૩-૪-૧૭૮૧) તેમનો જન્મ ઉત્તર ભારતમાં અયોધ્યા પાસે છપૈયા ગામે, માતા ભક્તિ દેવી અને પિતા ધર્મદેવ પાંડેના ઘેર થયો હતો. બાળવયનું નામ ઘનશ્યામ અને હરિકૃષ્ણ. બાળવયે તેમની અનેક ચમત્કૃતિઓએ તેમના વ્યક્તિત્વને અદ્વિતીય અને અલૌકિક સિદ્ધ કરી દીધું હતું.
શ્રી નીલકંઠવર્ણીએ માત્ર ૧૧ વર્ષની કુમળી વયે ગૃહત્યાગ કર્યો અને એક મહાકાવ્ય સમી ઐતિહાસિક ગાથા નો પ્રારંભ કર્યો. સતત ૭ વર્ષ સુધી ૧૨૦૦૦ કિલોમીટર સુધી નીલકંઠવર્ણીની ભારત યાત્રા વહેતી રહી. કાતિલ હિમાલયના શિયાળામાં -૨૦ ડીગ્રી તાપમાનમાં નીલકંઠ તિબેટના સૂસવાટા મારતા મેદાનોમાં ઘૂમ્યા. માનસરોવરની યાત્રા કરી અને તે પણ ખુલ્લા પગે, ખુલ્લા શરીરે. નિરાહાર રહીને નીલકંઠવર્ણીની એ ૬ મહિનાની માનસ યાત્રાનો વિગતવાર અહેવાલ કોઈ લેખકે નોંધ્યો હોત તોઆજે ૨૦૦ વર્ષો પછી વિશ્વના સર્વશ્રેષ્ઠ સાહસયાત્રાના ગ્રંથ તરીકે ઇતિહાસમાં અનેરું સ્થાન પામ્યો હોત અને આવનારી અનેક શતાબ્દીઓ સુધી પણ તેની ગાથા ગવાતી હોત એ નિ:સંશય હકીકત છે.
પરંતુ, નીલકંઠવર્ણીને મન એ નહોતી સાહસયાત્રા કે નહોતી પ્રસિદ્ધિ યાત્રા. એ તો હતી અનંત મુમુક્ષુ માટેની કલ્યાણયાત્રા. માનસરોવરથી લઈને દક્ષિણમાં છેક કન્યાકુમારી સુધી અને પુનઃ મધ્યભારતમાં છેક બુરહાનપુર સુધી અને અંતે પશ્ચિમ ભારતમાં ગુજરાત સુધી યાત્રા વણથંભી રહી. શ્રી નીલકંઠવર્ણી યુવાનવયે સમગ્ર ભારત ભરમાં વિચર્યા. હિમાલય માનસરોવરથી દક્ષિણમાં છેક કન્યાકુમારી સુધી કઠિન યાત્રા કરી ખુલ્લા શરીરે વિચર્યા, અપાર તપ કર્યું, અનેક કષ્ટો વેઠ્યાં, કોઈ સાથ વિના, કોઈ સાધન વિના, કોઈ સુવિધા વિના, શા માટે? અનેક લોકોના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે. અસંખ્ય જીવોના કલ્યાણ માટે, એમણે જે આધ્યાત્મિક માર્ગ ચીંધ્યો છે તે હજારો વર્ષો સુધી લોકોનું કલ્યાણ કરતો રહેશે. એમની સ્મૃતિમાં ભક્તો નીલકંઠવર્ણીની મૂર્તિ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવે છે.
આજના સંકલ્પ દિને યુવાનોએ નીલકંઠવર્ણીની સ્મૃતિઓને રજૂ કરતું ‘જય હો, જય હો, નીલકંઠવર્ણીની જય હો…’અદ્દભુત નૃત્ય રજૂ કર્યું. હરિભક્તોએ નીલકંઠવર્ણીએ કરેલી સંકલ્પપૂર્તિની ગાથાને રજૂ કરી. અંતમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં નીલકંઠવર્ણીએ કરેલ તપ અને ત્યાગના મહત્વને સર્વે ભક્તજનોમાં દ્રઢાવ્યું હતું.


error: Content is protected !!