Main Menu

રાજકોટ બી.એ પી.એસ મંદિરના આંગણે પ.પૂ મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં સત્સંગ દિનની ભવ્ય ઉજવણી

પ.પૂ મહંત સ્વામીની પ્રાતઃ પૂજા દર્શન અને આશીર્વચનનો લાભ લેતા હજારો હરિભકતો

(સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ), રાજકોટ, તા. 25, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ૧૪ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગત સત્સંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શન માટે વહેલી સવારે ૫ વાગ્યાથી ભક્તોની ભીડ મંદિર પ્રાંગણમાં જોવા મળે છે. બાળકો, યુવાનો અને વડીલો સહિત કુલ ૮૦૦૦થી વધુ ભક્તો સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનો લાભ લઇ રહ્યા છે. નાના બાળકોએ વહેલી સવારમાં પ્રાતઃપૂજામાં પોતાની કાલી-ઘેલી ભાષામાં સ્વામી સમક્ષ રજુઆતો કરી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને વધાવવા અનેકવિધ મહિલા હરિભક્તોએ તપ વ્રત કરતા કરતા કલાત્મક હાર તથા શાલ બનાવ્યા હતા જે સંતોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને અર્પણ કર્યા હતા.

સત્સંગ દિને સાયંસભામાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સેવક સંત પૂજ્ય બ્રહ્મવત્સલ સ્વામીએ પારાયણમાં કથાવાર્તાનો લાભ આપ્યો હતો જેમાં તેઓએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રસંગો રજૂ કર્યા હતા. ત્યારબાદ સૌ હરિભક્તો સંધ્યા આરતીમાં જોડાયા હતા. સત્સંગનું મહત્વ સમજાવતી અદ્દભુત સ્કીટ યુવાનો દ્વારા રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌ હરિભક્તોને વિડીયો આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ‘સત્સંગ છોડીને જતા નહી. સત્સંગ દ્રઢ કરીને રાખજો. સત્સંગ મળવો ખૂબ દુર્લભ છે. સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે માટે ભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ કરીને રાખજો.’

આજનો દિન સમજણ દિન તરીકે ઉજવાશે. જે અંતર્ગત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં સમૂહ વર્તમાન વિધિનો કાર્યક્રમ સાંજે ૬ વાગ્યે યોગીસભાગૃહમાં યોજાશે. સાયંસભામાં ૬ થી ૭ સત્સંગ કથાવાર્તાનો લાભ મળશે. સત્સંગની સમજણ દ્રઢ કરાવતો રસપ્રદ સંવાદ ૭ થી ૭:૩૦ દરમ્યાન યોજાશે અને અંતમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ મળશે.