Main Menu

પ.પૂ. મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં સમજણ દિનની ઊજવણી કરવામાં આવી

(સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ), રાજકોટ, તા. 26, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૬ દિવસથી સત્સંગલાભ આપી રહ્યા છે જે અંતર્ગત સમજણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શન માટે વહેલી સવારે ૫ વાગ્યાથી ભક્તોની ભીડ મંદિર પ્રાંગણમાં જોવા મળે છે. યુવાનો અને વડીલો સહિત નાના બાળકો પણ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનો લાભ લઇ રહ્યા છે. નાના બાળકોએ વહેલી સવારમાં પ્રાતઃપૂજામાં પોતાની કાલી-ઘેલી ભાષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સ્વામી સમક્ષ રજુઆતો કરી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને વધાવવા મહિલા હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક બનાવેલ કલાત્મક પતંગિયાનો વિશિષ્ટ હાર પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને સંતો દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.આજે સાંજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સમૂહ વર્તમાન વિધિનો કાર્યક્રમ સાંજે ૬ વાગ્યે યોગીસભાગૃહમાં યોજાયેલો જેમાં બાળકો, યુવાનો અને વડીલો સહિત કુલ ૧૦૦૦ જેટલા ભાવિકોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની હાજરીમાં વર્તમાન વિધિમાં જોડાઈને કંઠી ધારણ કરી હતી.આજે સમજણ દિને સાયંસભામાં પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીએ પારાયણમાં કથાવાર્તાનો લાભ આપ્યો હતો જેમાં તેઓએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રસંગો રજૂ કર્યા હતા. ત્યારબાદ સૌ હરિભક્તો સંધ્યા આરતીમાં જોડાયા હતા. સાચું સુખ શેમાં? સમજાવતો ‘સમજણથી સુખ’ સંવાદ રજૂ કરવામાં આવ્યો. જેમાં જીવનમાં પૈસા, શારીરિક સ્વસ્થતા અને સારું પાત્ર એમાં જ જીવનનું સાચું સુખ છે કે નહી એ વિષયક રસપ્રદ ચર્ચાની રજૂઆત કરી હતી અંતમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે જીવનમાં પૈસા, શારીરિક સ્વસ્થતા અને સારું પાત્ર એમાં જીવનનું સાચું સુખ નથી પરંતુ સાચું સુખ સત્સંગની સમજણમાં જ છે. ભગવાનની આજ્ઞાએ કરીને મન વાળે, તો સુખ મળે છે. સત્સંગમાં દરેક હરિભક્તને મોટો જાણવો. કુસંગથી ડરવું, ચેતતા રહેવું એ બધું બગાડે છે. અભિમાન ન રાખવું. અભિમાન આવે તો જ્ઞાન રહેતું નથી.પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવ તથા રાજકોટ મંદિર દ્વીદશાબ્દી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રેસકોર્ષ મેદાન ખાતે રવિવારના સાંજે ૭ થી ૧૦ દરમ્યાન ભવ્ય ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ યોજાશે જેમાં રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી ‘દુઃખનો દેહાંત – સુખનો સૂર્યોદય’ વિષયક પ્રેરક પ્રવચનનો લાભ આપશે. સાથે સાથે માનવ ઉત્કર્ષના પંથે પ્રેરતાં પ્રેરક સંવાદો, મનમોહક નૃત્યો, રસપ્રદ વિડીયો શો, પથદર્શક પ્રવચન અને પરમ એકાંતિક સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દર્શન તથા આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે. આ ભવ્ય અને દિવ્ય અવસરે ઉપસ્થિત સૌને વિશિષ્ટ પ્રસાદનો પણ લાભ પ્રાપ્ત થશે.