Main Menu

રાજકોટ BAPS મંદિરે પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સંપ દિન ઉજવાયો

વર્તમાન સમયમાં ઉદ્દભવતી સમસ્યાઓને રજૂ કરતો અદ્દભુત સંવાદ અનોખી કોર્ટ, અનોખો ચુકાદો રજૂ થયો

 

(સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ), રાજકોટ, તા. ૨૮, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૮ દિવસથી સત્સંગલાભ આપી રહ્યા છે જે અંતર્ગતઆજે સંપ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શન માટે વહેલી સવારે ૫ વાગ્યાથી યુવાનો અને વડીલો સહિત નાના બાળકો પણ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનો લાભ લઇ રહ્યા છે. વરિષ્ઠ સદ્દગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીએ સંપ દિને આશીર્વચન આપી ચાર વાત સમજાવતા કહ્યું કે,‘ઘસાવું, ખમવું, મનગમતું મુકવું અને અનુકુળ થવું.’પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રાતઃપૂજા બાદ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે,‘એક રૂચીવાળા બે ભેગા થાય તો હજારો છે. બીજાને આગળ રાખી સેવા કરવી. પોતાને ન્યૂન માનવો અને બીજાને અધિક માનવો એ એકાંતિક ભક્ત.’

આજથી ત્રણ દિવસ સુધી પારાયણમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સેવક સંત પૂજ્ય નારાયણચરણ સ્વામી ‘પ્રમુખચરિત્રામૃત’ વિષય પર પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ પ્રસંગો પર કથાવાર્તાનો લાભ આપી રહ્યા છે. ત્યારબાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સૌ હરિભક્તો સંધ્યા આરતીમાં જોડાયા હતા.

આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં, વર્તમાન સમયમાં સમજણના અભાવને લઈને ઉદ્દભવતી છૂટાછેડા અને વૃદ્ધાશ્રમ જેવી સમસ્યાઓ તેમજ સમાજની વાસ્તવિકતા રજૂ કરતો અદ્દભુત સંવાદ ‘અનોખી કોર્ટ, અનોખો ચુકાદો’ રજૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કોર્ટનું દ્રશ્ય ખડું કરી આ પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી જેનું સમાધાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ દ્વારા આપવામાં આવ્યું હતું.ઇન્ટીરીયર ડીઝાઇન જોવામાં જે ધ્યાન રાખીએ એ સંબંધોના ઇન્ટીરીયરમાં ધ્યાન રાખીએ તો સંબંધો સુગંધિત બને.અંતમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ ઘણી વખત કહે છે,‘સંપ વગર ઘરના ગોળાનું પાણી સુકાઈ જાય એટલે કે ગોળાનું પાણી બધા પીએ પણ તેમાં કોઈ ઉમેરે નહી.સુખી થવા માટે બદલાવ બીજામાં નહી પરંતુ પોતાનામાં કરીએ. સ્વમાં વસ એટલે કે પોતાના દુર્ગુણો જોવા, પરમાં ખસ એટલે કે બીજાના દોષો ન જોવા અને આટલું બસ. સંપ, સુહ્યદભાવ, દયા, મર્યાદા હોય ત્યાં પ્રભુ વસે છેમાટે સંપ એ તો પ્રત્યેક વ્યક્તિના જીવનનો પ્રાણ છે.’